Kabir Bhajan Sudha

કબીર ભજન સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

નાદબ્રહ્મ પદ-૧૨, પૃષ્ઠ-૧૦, રાગ - ગોડી

રમી રહ્યો ભરપૂર રંગીલો, રમી રહ્યો ભરપૂર
શુદ્ધ વિચાર કરો મેરે સંતો, હૈ નિયરે નહિ દૂર - ૧

વેદ પુરાણ ભાગવત ગીતા, વામે લિખ્યો હૈ હજૂર
તાહી છોડ નર ચાહુદિસ ધાવૈ, સમજત નહિ નર મૂઢ  - ૨

આતમ એક અખંડ અનુપમ, બાજત અનહદ તૂર
નિત્ય પ્રકાશ નિરંતર નિર્મલ, જ્યોં સરિતાકો પૂર  - ૩

તેરા સાહેબ હૈ તુજ માંહિ, ઊઠત શબ્દકી ઘોર
સતગુરૂ મિલે સત શબ્દ બતાયો, નિતનિત બરસત નૂર  - ૪

આપ જગતકો રૂપ બન્યો હૈ, આપ જગતકો મૂલ
કહૈ કબીર સોહિ જન જાને, જ્ઞાન ઉદય ભયે સુર૧૦  - ૫

સમજૂતી
કણકણમાં સર્વ વ્યાપક થઈને મસ્તીથી જે રંગીલો (રાજા) પોતાનો ખેલ બતાવી રહ્યો છે. તે ખરેખર નજીક જ છે, દૂર નથી !  હે મારા (વ્હાલા) સંતો, શુદ્ધ વિચારણા કરી નિર્ણય કરી લો !  - ૧

વેદ, પુરાણ, ભાગવત, ગીતા વગેરે શાસ્ત્રો જેનું વર્ણન ‘નેતિ’ કહીને વર્ણન કરે છે તેની અવગણના કરી સમજણ વિના માનવ ચારે દિશામાં શોધવા દોડી વળે છે તે તેની મૂઢતા ગણાય.  - ૨

નદીના ધસમસતા પૂરની માફક જે તૂરમાંથી નીકળતા અનાહત નાદ રૂપે સર્વ સ્થળે ગુંજી રહ્યો છે તે આત્મા તો નિત્ય, પવિત્ર ને પ્રકાશ સ્વરૂપ જ છે.  - ૩

સદ્‌ગુરુ મળ્યા પછી સત્ય શબ્દની સમજ આપી છે કે જેનો પ્રકાશ સતત વરસ્યા કરે છે તે પરમાત્મા તો હે જીવ, તારી અંદર જ શબ્દ રૂપે ગૂંજી રહ્યો છે (તે યાદ કર) !  - ૪

કબીર કહે છે કે જેના હૃદયમાં જ્ઞાનનો ઉદય થયો છે તે દેવપુરુષ જ જાણે છે કે તે પરમાત્મા જ સૃષ્ટિનો આદિ છે ને સમગ્ર સૃષ્ટિનું સર્જન તેમાંથી જ થયું છે.  - ૫

----------

‘રહ્યો’ ક્રિયાપદ ગુજરાતી ભાષાનું ગણાય. એને બદલે ‘રહા’ શબ્દ હોવો જોઈએ.

રંગીલો શબ્દ પરમાત્માની એકમાંથી અનેક થવાની ઈચ્છાને સરસ રીતે વ્યક્ત કરે છે. પરાત્પર બ્રહ્મનું romantic mood એ શબ્દ દ્વારા સચોટ બને છે.

ભરપૂર શબ્દ દ્વારા સચરાચરમાં પરમાત્માનું વ્યાપકપણું પણ સચોટ રીતે વ્યક્ત થાય છે.

શુદ્ધ વિચાર એટેલ શુદ્ધનો જ વિચાર. જે નિત્ય, બુદ્ધ ને શુદ્ધ છે તે આત્મતત્વનો જ વિચાર. ‘શુદ્ધ વિચાર’ દ્વારા માયાનો વિચાર નહીં તે પણ સૂચન સમજી શકાય છે.

નિયરે એટલે પાસે. અંગ્રેજી શબ્દ યાદ આવશે Near.

જે નિત્ય બુદ્ધ ને શુદ્ધ છે તે તો એક અને અખંડ પણ છે. તે સ્વયં પ્રકાશિત પણ છે. તેનું કોઈ સ્વરૂપ જ નહીં, કોઈ આકાર જ નહીં. તે અગમ્ય, અલક્ષ્ય ને આગધ છે. તેનું વર્ણન થઈ શકતું જ નથી. તેથી તો શાસ્ત્રો નેતિ નેતિ કહીને તેને ઓળખાવે છે. છતાં તે તત્વનું કોઈ રૂપ ધારીને તીર્થોમાં, મંદિરોમાં કે દેવળોમાં જ માત્ર શોધવાનો કોઈ પ્રયત્ન કરે તો તે તેની નરી મૂર્ખતા છે. કબીરસાહેબની સાખી અહીં યાદ આવ્યા રહશે નહીં :

દેહી માંહે વિદેહ હૈ સાહેબ સુરિત સરૂપ
અનંત લોકમેં રમી રહ્યા જાકે રંગ ન રૂપ

અનહદ એટલે અનાહત નાદ યોગીઓ તે નાદને સાંભળી શકે છે. તે સંભળાતા નાદમાં ચિત્તવૃત્તિને જોડી દઇને તેઓ સમાધિસ્થ બની જાય છે અને આત્મસાક્ષાત્કાર કરી શકે છે.

‘ઘોર’ શબ્દ અહીં બંધબેસતો લાગતો નથી. ‘સોહમ્’ નો નાદ સતત ચાલ્યા કરે છે અને તે દ્વારા જ શરીરમાં રહેલા પરમાત્માની પ્રતીતિ થાય છે તે સૂચવવા ‘ઊઠત શબ્દકી ઘોર’ ને બદલે ‘બાજત શબ્દ કે સૂર’ શબ્દો વધારે બંધબેસતા લાગે.

આપ શબ્દ દ્વારા આત્મતત્વનું સૂચન થયું છે. મૂલ એટલે આદિ, સૃષ્ટિનો આદિ તે જ ગણાય.

૧૦સુર એટલે દેવપુરુષ. જ્ઞાનની પ્રાપ્તિથી સામાન્ય માનવ અસામાન્ય બની જાય છે. તેનું અહીં સૂચન કરવામાં આવ્યું છે. દૈવી સંપત્તિથી તે સભર બની જાય તેથી તે સૃષ્ટિના આદિને જાણી શકે.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,612
pdf-1અનંત સૂર | Anant Soor 10,247
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,230
pdf-3Amar Varso | અમર વારસો 7,910
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,952