Kabir Shabda Sudha

કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

પંડિત દેખહુ મનમેં જાની
કહું ધૌં છૂતિ કહાં તે ઉપજી, તબહિ છૂતિ તુમ માની  - ૧

નાદે બિન્દુ રુધિર કે સંગે, ઘરહીમેં ઘટ સપંચૈ
અસ્ટ કમલ હોય પુહુમી આયા, છૂટિ કહાં સે ઉપજૈ  - ૨

લખ ચૌરાસી નાના બાસન, સો સામ સહિ ભૌ માટી
એકૈ પાટ સકલ બૈઠાયે, છૂતિ લેત ધૌં કા કી  - ૩

છૂતિહિ જેવન છૂતિહિ અંચવન, છૂતિહિ જગ ઉપજાયા
કહૈ કબીર તે છૂતિ બિબિરજિત, જાકે સંગ ન માયા  - ૪

સમજૂતી

હે પંડિતો, જરા મનમાં વિચારી તો જુઓ કે આ છૂતાછૂતની ભાવના ક્યાંથી પેદા થઈ છે ?  જે કારણે તમે અસ્પૃશ્યતાને માન્યતા આપી રાખે છે ?  - ૧

(શારીરિક રીતે વિચારવામાં આવે તો પણ) માતપિતાના રજવીર્યથી માતાના ગર્ભમાં બાળક રૂપી ઘટ ધીમે ધીમે વિકાસ પામે છે અને આઠ કમળવાળું શરીર લઈને તે પૃથ્વી પર જન્મ લે છે. તો છૂતાછૂતની ભાવના ક્યાંથી ઉત્પન્ન થઈ ?  - ૨

પૃથ્વી તત્વનું બેનેલું શરીર અનેક પ્રકારે ચોર્યાસી લાખ યોનિઓમાં ભટકતું ભટકતું આવનજાવન કર્યા કરે છે. જાય છે ત્યારે રાખ થઈને પાછું પૃથ્વી તત્વમાં ભળી જાય છે. કુદરતે તો સૌને એક જ સરખી રીતે સ્થાનમાં બેસાડ્યા લાગે છે. તો પછી હે પંડિતો તમે કોને છૂત માનશો ?  - ૩

અરે !  વિચારો તો ખરા, અન્નનું ભોજન છૂત ગણાય કે પાણીનું આચમન છૂત ગણાય, છૂતથી જ જાણે આખું જગત પેદા થયું લાગે છે. તેથી કબીર કહે છે કે તે જ પુરુષ છૂતથી બચી શકે છે કે જે માયાથી અલિપ્ત રહી શકે !  - ૪

ટિપ્પણી

“કહૈ કબીર .... સંગ ન માયા” - છૂતા છૂતની દૃઢ થઈ ગયેલી ભાવનાને કબીર સાહેબે આ પદમાં પડકારી છે. “છૂતિ હિ જગ ઉપજાયા” એટલે આખું જગત રાજવીર્યની ગંદકીમાંથી, અશુદ્ધિમાંથી, પેદા થયું છે તેથી જગતમાં અછૂત કોણ નથી ?  માયામાં ડૂબેલા સૌ કોઈ અછૂત જ છે. માયાથી અલિપ્ત થવાની કોશિશ કરનાર શુદ્ધિયજ્ઞને પ્રજ્વલિત રાખે છે તેથી તેને અછૂત કેવી રીતે કહી શકાય ?  જન્મથી તો સૌ છૂત જ કહેવાય !

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 14,017
pdf-1અનંત સૂર | Anant Soor 10,664
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,462
pdf-3Amar Varso | અમર વારસો 8,075
pdf-4A Handwritten Bhajan Book from 1937 7,163