Articles

શ્રી રામકબીર મંદિર ભજન મંડળ
કાર્સન્, કેલીફોર્નિઆ, યુ.એસ.એ.

“રામકબીર”
સૌને સાદર રામકબીર,
    “રામકબીર”ના મહામંત્રને સહહૃદય-સ્થિત રાખી આપણાં વડવાઓએ “ભક્ત સમાજ”ને દેશ અને વિશ્વભરનાં ભારતીય સમુદાય તદ્ઉપરાંત બિન-ભારતીય સમુદાયઓમાં પણ સ્થાન અપાવ્યું છે. આમ, દરેક ક્ષેત્રોમાં જેમનાં દ્વારા “ભકત સમાજ”નું ગૌરવ વધાર્યું હોય તે દરેક વડવાઓને કોટિ કોટિ વંદન.
    આપણે સૌ જાણીએ છીએ તેમ આપણાં સમાજની ઓળખ “ભજન” થકી જ મળી છે. તેથી જ તો દરેક, પ્રસંગોચિત ભજનોનો સમાવેશ “નાદબ્રહ્મ”માં જોવા મળે છે. આ વારસો આપણને સમાજની સ્થાપના થઇ એ પહેલાંથી વાર-તહેવારે કે દરેક પ્રસંગો જેવા કે લગ્ન સમયે, મૃત્યુ સમયે, કે શ્રદ્ધાંજલિ ભજનમાં પણ ભજન વડે જ પાર પાડવાની પ્રથા ચાલુ હતી તેથી જ તો “ભક્ત સમાજ”ની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી શક્યા છીએ. તેને આગળ ધપાવવાનું કાર્ય સૌ ભક્તજનોનું છે. આપણાં વડવાઓએ વિકટ આર્થિક પરિસ્થિતિ હોવા છતાં સુંદર રીતે જાળવીને આપણને પ્રદાન કર્યું હોય તે હવે પછી આપણે એનું જતન કરતાં કરતાં નવી પેઢીને બતાવવાનું કાર્ય કરવાની મહેનત વડિલ શ્રી સ્વ. મોહનભાઈ નારણભાઈ ભક્ત (ધામણ) કરી હતી જેને આ ભજન મંડળનાં દરેક ભાઈઓ સહર્ષ સ્વીકારી, સૌ ભજન-મંડળના સભ્યોએ તન, મન અને ધન વડે નિભાવવા યુ.એસ.એ.માં પણ અને ભારત સ્થિત ભક્ત સમાજ ઉપરાંત રામકબીર સંપ્રદાયનાં કાનમ વિસ્તાર અને કાંઠા-વિસ્તાર (મહેસાણા જીલ્લામાં) આવી ઠેર ઠેર ભજનો કરી અને તે જ થકી ભક્તો ઓળખાયા હોય એમ તેને સાર્થક કરવા સાથે સાથે ભક્તજનોને મળી સદ્‌ભાવનાની જાળવણી થાય તે સંકલ્પ લઇ ડીસેમ્બર-૨૦૧૦ અને આ બીજી વખત જાન્યુઆરી ૨૦૧૭માં આવી ભજનોની હારમાળા દ્વારા આપણાં વડવાઓનાં સંકલ્પોને આગળ ધપાવવાનું કાર્ય કરનાર સૌ ભજનિકોને ખૂબ ખૂબ અભિનંદન.

   શ્રી રામકબીર મંદિર ભજન મંડળ
   ૧. ઈન્દ્રવદનભાઈ નાથુભાઈ (લોટરવા)
   ૨. મહેશભાઈ સન્મુખભાઈ (સીતાપુર)
   ૩. રોહિતભાઈ રામભાઈ (ડુંગરા)
   ૪. સન્મુખભાઈ ગોરધનભાઈ (દેરોદ)
   ૫. દિવ્યેશભાઈ મહેન્દ્રભાઈ (કપુરા)
   ૬. ભુલાભાઈ ગોકળભાઈ (દોલતપુર)
   ૭. નાથુભાઈ સીતારામભાઈ (આસુંદર)
   ૮. મુકુંદભાઈ લલ્લુભાઈ (મલેકપોર)
   ૯. ઈન્દુભાઈ નારણભાઈ (ધામણ)
  ૧૦. કિશોરભાઈ લલ્લુભાઈ (ધામણ)
  ૧૧. હિતેન્દ્રભાઈ છોટુભાઈ (સ્યાદલા)
  ૧૨. સુરેશભાઈ સન્મુખભાઈ (સ્યાદલા)
  ૧૩. દયારામભાઈ નાથુભાઈ (ઓરણા)
  ૧૪. નરેન્દ્રભાઈ મોહનભાઈ (વાવ)
  ૧૫. રમેશભાઈ લલ્લુભાઈ (મલેકપોર)
  ૧૬. શરદભાઈ રામચંદ્રભાઈ (ગણપતપુરા)
  ૧૭. ભગવાનજીભાઈ સીતારામભાઈ (શામપુરા)
  ૧૮. ઉમેશભાઈ સન્મુખભાઈ (સ્યાદલા)
  ૧૯. ધર્મેન્દ્રભાઈ જગદીશભાઈ (કપુરા)
  ૨૦. ઠાકોરભાઈ લલ્લુભાઈ (ધામણ)
  ૨૧. હિતેશભાઈ મગનભાઈ (ચાસવડ)

આમ અમો સૌ શ્રી રામકબીર મંદિર ભજન મંડળ, કાર્સન, યુ.એસ.એ.નાં દરેક સભ્યોને આપણાં વડવાઓનાં ભગીરથ કાર્યોને આગળ નવી પેઢીને પ્રદાન કરવા માટે જેઓ સૌ, નામી-અનામી, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરનાર સૌ ભક્તજનોનો હૃદયપૂર્વક આભાર સહ સાદર રામકબીર.

-----

કાલિમંદિર કર્પૂરવન
૧૮ જાન્યુઆરી [YouTube video(s): 18 Jan - Kali-Mandir (Kapura)]
શ્રી રામકબીર મંદિર ભજન મંડળની ભારત ભજન યાત્રા-૨૦૧૭ની શુભ શરૂઆત પૂ. વંદનીય મા સર્વેશ્વરીના જન્મ નિવાસ-સ્થાનેથી કરી આશીર્વાદ મેળવ્યા. 

લોટરવા
૧૮-૧૯ જાન્યુઆરી [YouTube video(s):  2. 19 Jan - Lotarva]
લોટરવા ગામના સતાપ્દી મહોત્સવમાં ભજન સંમેલન ૧૮ અને ૧૯ જાન્યુઆરીમાં ઘણાં મંડળોએ ભાગ લીધો. ૧૯મી જાન્યુઆરીએ રામકબીર મંદિર ભજન મંડળ દ્વારા ત્રણ કલાકના ભજનો થયા. એમાં બે કલાક સતાપ્દી મહોત્સવને અનુરૂપ ભજનો કર્યા બાદ એક કલાક સ્વ. ગોવિંદભાઈ અને સ્વ. સુશીલાબેનની શ્રી રામકબીર મંદિર કાર્સનમાં આપેલ સેવાને યાદ કરીને શ્રદ્ધાંજલિ ભજનો કર્યા.

માલોઠા
૨૦ જાન્યુઆરી [YouTube video(s):  3. 20 Jan - Malotha]
ભક્ત સમાજમાં ઘણાં લોકોને આ ગામની મહત્તા વિષે ખબર ન હોય એવું બને પરંતુ ભજનિકો માટે આ ગામની મહત્તા વિશેષ છે. આ ગામમાં ભક્ત સમાજના ભજનિક વડવાઓને ૧૯૫૬માં ભેગા કરીને આપણા ભજનોનું સંકલન કરવામાં આવ્યું હતું. પ્રથમ હાથેથી લખેલ પુસ્તક બનાવવામાં આવ્યું. ત્યારબાદ “શ્રી રામકબીર ભક્ત ભજન સંગ્રહ” નામના પુસ્તકનું અવતરણ થયું. આમ કંઠસ્થ ભજનોને પુસ્તકમાં કંડારી સમાજને સાચી દિશા બતાવવાનું કાર્ય શરૂ થયું. પૂ. ઈશ્વરભાઈ પ્રભુભાઈ પરમાર્થી દ્વારા રચિત ભજનોનું ગાન શ્રી રામકબીર મંદિર ભજન મંડળે કરી આ સમાજના દરેક ભજનિક વડવાઓને સ્મરણાંજલિ અર્પી. આ ગામના આદિવાસી ભાઈઓએ આજ ઘરથી જીવન જીવવાની સાચી સમજણ પ્રાપ્ત કરી હતી. આજે જ્યારે અમો ભજન મંડળની ઉપસ્થિતિમાં એમના સ્વમુખે સાંભળવા મળ્યું કે આખુ ગામ નિર્વ્યસની અને ભજન-ભક્તિથી તરબોળ થઇ જીવન જીવી રહ્યા છે, ત્યારે તેઓ ખરા અર્થમાં ભક્ત કહી શકાય. ભજન બાદ સૌ સાથે મળી ભોજન લઇ છૂટા પડ્યા.

કર્પૂરવન
૨૦ જાન્યુઆરી [YouTube video(s):  4. 20 Jan - Kapura]
કર્પૂરવનના ભજન મહોત્સવમાં સવારથી કર્પૂરવનની બહેનોનું ભજન મંડળ, કર્પૂરવનના ભાઈઓનું ભજન મંડળ અને શ્રી રામકબીર મંદિર કાર્સન ભજન મંડળ દ્વારા ભજનો થયા. એમાં શ્રી રામકબીર મંદિર ભજન મંડળ દ્વારા વસંત પંચમીના ભજનોને આવરી લીધા. ત્યારબાદ સૌ ભોજન લઇ છૂટા પડ્યા.

સ્યાદલા
૨૧ જાન્યુઆરી [YouTube video(s):  5. 21 Jan - Syadla]
૨૦૧૭ ભજન યાત્રાનો પાંચમો પડાવ સ્યાદલા મુકામે શ્રદ્ધાંજલિ ભજનનાં કાર્યક્રમમાં સ્યાદલા ભજન મંડળ દ્વારા પૂ. જયંતિભાઈની રાહબર હેઠળ સવા કલાકના ભજનો કર્યા બાદ રામકબીર મંદિર ભજન મંડળે હિંડોળાના રાગના શ્રદ્ધાંજલિ ભજનો કર્યા. સૌ ભક્તજનોને પરસ્પર મળી પ્રેમ અને આનંદની લાગણી અનુભવી. 

ધામણ
૨૨ જાન્યુઆરી [YouTube video(s):  6. 22 Jan - Dhaman   7. 22 Jan - Dhaman   8. 22 Jan - Dhaman]
શ્રી દુર્લભભાઈ રામભાઈ દેશાઈના ઘરે બે કલાક વસંત રાગના ભજનોથી શરૂઆત કરી. ત્યારબાદ શ્રી લલ્લુભાઈ નરસિંહભાઈના આગ્રહને માન આપી એમના ઘરે ૧ કલાકના ભજનો કર્યા. બપોરે વિશ્રામબાદ સાંજે શ્રી બુધીકાકાના ઘરે બે કલાક શ્રદ્ધાંજલિ-બારમાસીના રાગના ભજનો કર્યા.

મલેકપોર અને ધામણ 
૨૩ જાન્યુઆરી [YouTube video(s):  9. 23 Jan - Malekpor   10. 23 Jan - Dhaman   11. 23 Jan - Dhaman]
સવારે મલેકપોર જઈ મંદિરમાં બે કલાક ભજનો કર્યા. બાદ ભોજન લઇ ફરીથી ધામણમાં આવી શ્રી અરવિંદભાઈ કેવળભાઇના આંગણે સ્વજનોને યાદ કરી શ્રદ્ધાંજલિના ભજનો કર્યા. ત્યારબાદ શ્રી અજીતભાઈ નરસિંહભાઈના આગ્રહને વશ થઇ રામકબીર મંદિર ભજન મંડળે ભજનો કર્યા. 

ગલતેશ્વર, સામપુરા, ઓરણા
૨૫ જાન્યુઆરી [YouTube video(s):  12. 25 Jan - Sampura   13. 25 Jan - Galteshvar   14. 25 Jan - Orna]
સવારે ગલતેશ્વરના શિવ મંદિરે તાપીના તીરે શ્રી રામકબીર મંદિર ભજન મંડળે શિવજીના ભજનો કર્યા બાદ સેવણીની પ્રખ્યાત ખીચડીનો પ્રસાદ લીધો. 
બપોરે સામપુરા મુકામે શ્રી ભગવાનજી સીતારામભાઈ ભક્તના ઘરે શ્રદ્ધાંજલિ ભજનો કર્યા.
સાંજે ઓરણા મુકામે ઓરણા ભજન મંડળે ભજનો કર્યા બાદ શ્રી રામકબીર મંદિર ભજન મંડળે હિંડોળાના પદોનું ગાન કર્યુ.
યજમાનો : ગલતેશ્વર મંદિર ટ્રસ્ટ અને ભગવાનજી સીતારામ ભક્ત અને ઓરણાના સન્મુખભાઈ, ગુણવંતભાઈ અને દયારામભાઈ પરિવારનો આભાર.

તરસાડી, વાવ
૨૬ જાન્યુઆરી [YouTube video(s):  15. 26 Jan - Tarsadi   16. 26 Jan - Vav]
સવારે તરસાડી મુકામે ભરતભાઈ સીતારામભાઈ ભક્તના આગ્રહને વશ થઇ બારમાસીના ભજનો કર્યા. 
ત્યારબાદ બપોર પછી વાવ મુકામે સ્વ. લાલીનભાઈ ગોકળભાઈ ભક્તની પુણ્ય યાદમાં શ્રદ્ધાંજલિ ભજનો કરી પ્રીતિ ભોજન લઇ છૂટા પડ્યા.
યજમાનો :  તરસાડી ભરતભાઈ સીતારામભાઈ અને વાવ હંસાબેન લાલીનભાઈ ભક્તનો આભાર.

દીગશ, નેત્રંગ
૨૭ જાન્યુઆરી [YouTube video(s):  17. 27 Jan - Digas   18. 27 Jan - Netrang]
સવારે દીગશ મુકામે ઓધવભાઈ કાળીદાસ ભક્તના ઘરે વસંત ઋતુના પદોનું ગાન કર્યુ. પૌંકનો અલ્પાહાર બાદ છૂટા પડ્યા. 
બપોર પછી નેત્રંગ મુકામે અરવિંદભાઈ, કરસનભાઈ, સ્વ. જગદીશભાઈ, મનુભાઈના નિવાસ સ્થાને તેઓના સ્વજનોના શ્રદ્ધાંજલિ ભજનો કર્યા બાદ રાત્રિ ભોજન લઇ છૂટા પડ્યા.
યજમાનો :  ઓધવભાઈ કાળીદાસ ભક્ત (દીગશ) અને સ્વ. ભગાભાઈ રઘાભાઈ પરિવારનો આભાર.

સીતાપુર
૨૮ જાન્યુઆરી [YouTube video(s):  19. 28 Jan - Sitapur]
બપોરે સીતાપુર મુકામે મહેશભાઈ સન્મુખભાઈ નાથુભાઈના આંગણે વાંસદા રાજના રાજવી કુટુંબની ઉપસ્થિતિમાં શ્રી રામકબીર મંદિર ભજન મંડળ દ્વારા ભજનોની સૂરાવલીથી પ્રભાવિત થઇ ત્યાંના વર્તમાન પત્રમાં સ્થાન પામ્યા, અને હિન્દ ટીવીના ન્યુઝ ચેનલોમાં પણ માહિતિ આપવામાં આવી.  
યજમાન : સન્મુભાઈ નાથુભાઈ ભક્ત પરિવારનો આભાર.

ચાસવડ, દોલતપુર
૨૯ જાન્યુઆરી [YouTube video(s):  20. 29 Jan - Chasvad   21. 29 Jan - Dolatpur]
સવારે ચાસવડ મુકામે હિતેશભાઈ મગનભાઈના આમંત્રણને માન આપી એમના ઘરના આંગણે એમના વડવાઓને યાદ કરી શ્રદ્ધાંજલિ ભજનો કર્યા અને અલ્પાહાર લઇ છૂટા પડ્યા.
બપોર પછી દોલતપુર મુકામે પરસોત્તમભાઈ રઘાભાઈના ઘર આંગણે તેઓના સ્વજનોના શ્રદ્ધાંજલિ ભજનો થયા.
યજમાનો : સ્વ. ગોકળભાઈ પરભુભાઈ ભક્ત (ચાસવડ) ના પરિવારનો અને ભૂલાભાઈ ગોકળભાઈ ભક્ત, અને પરસોત્તમભાઈ રઘાભાઈ ભક્ત પરિવારનો આભાર.

ગણપતપુરા
૩૧ જાન્યુઆરી [YouTube video(s):  22. 31 Jan - Ganpatpura]
કાનમ વિભાગમાં ભજન યાત્રાની શરૂઆત ગણપતપુરા મુકામે શ્રી શરદભાઈ રામચંદ્ર પટેલના નિવાસ સ્થાને મંદિરના આંગણેથી થઇ. તેમાં ત્યાંના “ઉદા ધર્મ પંચરત્નમાળા” ના પુસ્તકમાંથી તેઓએ ભજનો કર્યા બાદ શ્રી રામકબીર મંદિર ભજન મંડળે ચલતીના ભજનો કર્યા.
યજમાન : શરદભાઈ રામચંદ્રભાઈ પરિવારે બે દિવસ માટે રહેઠાણ અને ભોજનની વ્યવસ્થા કરવા બદલ આભાર.

ડભોઇ, બોડેલી, ધાણકિયા
૧ ફેબ્રુઆરી [YouTube video(s):  23. 1 Feb - Dabhoi   24. 1 Feb - Bodeli   25. 1 Feb - Dhanakiya]
સવારે ગણપતપુરાથી ભજન યાત્રાની બસમાં ડભોઇ ગાયત્રી મંદિરે રશ્મિકાબેનના આમંત્રણને માન આપી વસંત પંચમીના દિન હોય વસંત પંચમીના ભજનો કર્યા. અનાથ અને આદિવાસી બાળાઓને હિન્દુ સંસ્કૃતિની તાલિમ આપી રહ્યા હોય તે જોઇ ભજન મંડળના સૌ સભ્યો આનંદિત થયા.
બોડેલીના કબીર મંદિરે ત્યાંના સ્થાનિક ભક્તો દ્વારા શ્રી રામકબીર મંદિર ભજન મંડળને આવકાર્યા બાદ ભોજનની સરસ વ્યવસ્થા કરી હતી. અને ત્યારબાદ શ્રી રામકબીર મંદિર ભજન મંડળે ભજનો કર્યા અને ૧ કલાકના ભજનો ડભોઇ ભજન મંડળ દ્વારા ભજનો થયા.
આ ભજન યાત્રાનો કાનમ વિભાગમાં ચોથો પડાવ ધાણકિયા મુકામે ધીરૂભાઈ ભગતના આમંત્રણને સ્વીકારી ધાણકિયા મુકામે પહોંચ્યા બાદ શ્રી રામકબીર ભજન મંડળને વાજતે ગાજતે તબલાની તાલ સાથે ઓચ્છવ કરતાં કરતાં મંદિર સુધી લઇ જઈ આવકાર્યા. ત્યાંના કબીર મંદિરના ઓટલે ગામના ભક્ત કુટુંબની ઉપસ્થિતિમાં શ્રી રામકબીર મંદિર ભજન મંડળે ભજનો કર્યા બાદ ત્યાંના ઉદા ધર્મના ભજનોની સૂરાવલી થઇ. સાંજની આરતી ટાણે નાના નાના બાળકો (ઉંમર ૧૨થી નાના) દ્વારા આપણા સમાજના ગોડી, આરતી અને અન્ય પદોનું ગાન સાંભળી શ્રી રામકબીર મંદિર ભજન મંડળ પ્રભાવિત થયુ. ત્યારબાદ ભોજન લઇ ગણપતપુરા મુકામે આવી રાત્રિ રોકાણ કર્યુ. 
યજમાનો : ગાયત્રી મંદિર (ડભોઇ), કંચનભાઈ મણીભાઈ ભગત (બોડેલી), વિનોદભાઈ બિહારીભાઈ ભગત (ધાણકિયા)

સરદારપુર (મહેસાણા)
૨ ફેબ્રુઆરી [YouTube video(s):  26. 2 Feb - Sardarpur]
કાનમ ભગત સમાજ બાદ આપણા જ રામકબીર સંપ્રદાયના સભ્યો મહેસાણા જિલ્લામાં કાંઠા વિસ્તારમાં પણ વસવાટ કરી રહ્યા હોય તે શ્રી વિનુભાઈ છોટુભાઈ ભક્ત (વાવ) ના મદદથી અમો મુલાકાત કરી શક્યા.
સરદારપુર કબીર ગાદીએ પહોંચ્યા બાદ ઓચ્છવ (ભજનો) કરતાં કરતાં આવકાર્યા. શ્રી રામકબીર મંદિર ભજન મંડળે સૌ ગામજનોની ઉપસ્થિતિમાં ભજનો કર્યા બાદ ત્યાંના ભજન મંડળ દ્વારા વાણી, વિનંતી, અને અન્ય રાગોના પદો સાંભળવા મળ્યા.

પુનિયાદની ગાદી બાદ જીવણજી મહારાજથી પ્રભાવિત થઇ કૃષ્ણદાસ મહારાજે સરદારપુરમાં આ ગાદી ચાલુ કરી હતી. ત્યાં પણ “ઉદા ધર્મ પંચરત્ન માળા” ના પદોમાં અધ્યારુજીના ૨૮ કીર્તન મંદિરના અંદરના ભાગમાં ચારે તરફ લખાયેલા જોવા મળે છે તે જોઈ અમો ભજન મંડળના સૌ સભ્યો ગદગદિત થયા.

રણશીપુર, ફલુ (મહેસાણા)
૩ ફેબ્રુઆરી [YouTube video(s): 27. 3 Feb - Ransipur   28. 3 Feb - Falu]
સરદારપુરમાં કબીર ગાદીએ શ્રી રામકબીર મંદિર ભજન મંડળે ભજન કર્યા બાદ રણશીપુરના વાસીઓ દ્વારા આમંત્રણ મળ્યુ તે સ્વીકારી ત્રીજી ફેબ્રુઆરીએ રણશીપુરના આંગણે સૌ ગામજનોઓએ વાજતે ગાજતે માનતના ઘરે આવકાર્યા. આપણા વડવાઓ દ્વારા લિખિત ભજન સંગ્રહ (સવંત ૧૭૮૭) ના પુસ્તકના દર્શન કરાવ્યા. અને અમારી માંગણીને સ્વીકાર કરી તેઓએ પુસ્તક સ્કૅન કરવાની પરવાનગી આપી. જે ભજનની વેબસાઇટ ( RamkabirBhajans.Org - ભજન સંગ્રહ (સવંત ૧૭૮૭) PDF ) ઉપર તમે જોઈ શકશો. નવા ભવનમાં તેઓએ આવકારી ભજનો કરાવ્યા.

ત્યારબાદ ફલુ (મહેસાણા) મુકામે કબીર ગાદીએ બે કલાક ભજનો કર્યા બાદ ત્યાંના બહેનોના ભજનો (“ઉદા ધર્મ પંચરત્ન માળા” માંથી) સાંભળવા મળ્યા. અને રાત્રિ ભોજન લઇ પાલનપુર મુકામે નિવાસ કર્યો.

રામકબીર સંપ્રદાયના કાંઠા વિસ્તારમાં (મહેસાણા) દરેક ગાદીએ આપણા કંઠસ્થ ભજનોના ગાનોનો લ્હાવો શ્રી રામકબીર મંદિર ભજન મંડળે લીધો. તેમાં ત્યાંના વડવાઓ અને બહેનોને હજુ પણ કંઠસ્થ છે તે નિહાળી આનંદિત થયા. 

પાલનપુર
૪ ફેબ્રુઆરી [YouTube video(s):  29. 4 Feb - Palanpur]
પાલનપુરમાં પૂ. શાંતિદાસજી દ્વારા આશ્રમ અને શાળા સ્થાપિત કરવામાં આવી હતી.
સવારે ગૌશાળાની મુલાકાત લઇ બાદ શાળામાં શ્રી રામકબીર ભજન મંડળને ૧૭૦૦  વિદ્યાર્થિનીની હાજરીમાં સ્વાગત ગીત સાથે આવકાર્યુ. 
બપોરે, શ્રી કબીર કીર્તિ મંદિરમાં પૂ.શ્રી સરલાબેનની ઉપસ્થિતિમાં રૂઢિગત ભજનો કર્યા.
બે દિવસના રાત્રિ રોકાણ અને ભોજનની સુંદર વ્યવસ્થા માણી. 

સ્વર્ગારોહણ, અંબાજી
૫ ફેબ્રુઆરી [YouTube video(s):  30. 5 Feb - Swargarohan, Ambaji]
સ્વર્ગારોહણમાં સવારે પ.પૂ. સર્વેશ્વરી મા ના સાન્નિધ્યમાં સત્કર્મ કર્યા બાદ પ્રભાતફેરીમાં ભાગ લઇ ધન્ય પામ્યા. બપોરે સ્વર્ગારોહણના તેજસ્વી તારલાઓને ભગવાનજીભાઈ સીતારામભાઈ ભક્ત (સામપુરા) દ્વારા એવોર્ડ એનાયત થયા. બાદ સૌ પ્રીતિ ભોજન લઇ ફરીથી અનાજ વિતરણના સત્કર્મમાં જોડાયા. 
સાંજે પ.પૂ. સર્વેશ્વરી મા ના સાન્નિધ્યમાં શ્રી પ્રભુ, શ્રી મા ના સ્વરચિત ભજનોને આપણા રામકબીર સંપ્રદાયના ભજનોના રાગમાં ઢાળી સૂરાવલી રેલાવી, તે સાંભળી સ્વર્ગારોહણના સ્વજનો આપણા સમાજથી પ્રભાવિત થયા.  

લુન્યાખેડી, મધ્યપ્રદેશ
૭ ફેબ્રુઆરી [YouTube video(s):  31. 7 Feb - Lunyakhedi, Madhya Pradesh]
આ સ્થળે શ્રી રામકબીર મંદિર સંચાલિત શાળા ચાલે છે જે ભારતીય રાષ્ટ્રીય પુરસ્કાર પદ્મશ્રી શ્રી પ્રહલાદસિંહ ટીપાન્યા એના સૂત્રધાર છે જેઓને મળી શ્રી રામકબીર મંદિર ભજન મંડળ ગદગદિત થયુ. 
શાળાના બાળકોની મુલાકાત લઇ ત્યારબાદ ભજનો કરી ભોજન લઇ છૂટા પડ્યા. 

કામરેજ ચાર રસ્તા, દેરોદ, નનસાડ
૧૦ ફેબ્રુઆરી [YouTube video(s):  32. 10 Feb - Kamrej   33. 10 Feb - Derod   34. 10 Feb - Nansad]
સવારે કામરેજ ચાર રસ્તા શ્રીમતિ સંગીતાબેન મગનભાઈ ભક્તને ત્યાં ભજનો કર્યા.
બપોરે દેરોદ સન્મુખભાઈ ગોરધનભાઈ ભક્તને ત્યાં સ્વ. ગોરધનદાદાના શ્રદ્ધાંજલિ ભજનો કર્યા.
સાંજે નનસાડમાં નરસિંહભાઈ ગોરધનભાઈ ભક્તને ત્યાં ભજનો કર્યા.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,063
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 9,935
pdf-2અનંત સૂર | Anant Soor 9,865
pdf-3Amar Varso | અમર વારસો 7,727
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,657