Kabir Pada Sudha

કબીર પદ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

લીન્હ બુલાય બાત નહિ પૂછૈ, કેવટ ગર્વ તન બોલૈ હો
જાકરિ ગાંઠિ સમર કછુ નાહી, સો નિર્ધન હોય ડોલૈ હો ... ૯

જિન સબ જુકિત અગમન કૈ રાખિન, ધરિન મચ્છ ભરિ ડેહરિ હો
જાકાર હાથ પાંવ કછુ નાહીં, ધરન લાગુ તેહિ સોહરિ હો ... ૧૦

પેલના અછતા પેલિ ચલુ બૌરે, તીર તીર કો ટોવહુ હો
ઉથલે રહહુ પરહુ જનિ ગહિરે, મતિ હાથહુ કે ખોવહુ હો ... ૧૧

તરકે ધામ ઉપરકે ભુંભુરી, છાંહ કતહું નહિ પાયહુ હો
એસનિ જાન પસી જહુ સીજહુ, કસ ન છતુરિયા છાયહુ હો ... ૧૨

સમજૂતી

મોત તને પાસે બોલાવી તો લેશે પણ તારી સાથે વાત પણ નહિ કરશે. ગુરુ સાથે અભિમાનમાં આખું જીવન વાતો જ કર્યા કીધી. સત્કર્મની પોટલીનું થોડું ધન પણ તેં સાથે બાંધ્યું નહિ. ખરેખરે તું સાવ નિર્ધન અવસ્થામાં ચોર્યાસીના ફેરામાં ભટક્યા કરશે ... ૯

જેણે યોગ સાધના દ્વારા પહેલેથી જ મનની વૃત્તિઓ રૂપી માછલીઓ મારીને સત્કર્મરૂપી પોટલીમાં ભરી રાખી છે, તેને નિરાંત છે. મનની વૃતિઓને હાથ પગ જેવું તો કાંઈ હોતું નથી તેથી તેને તે રીતે પકડવાનું સુગમ થઈ પડે છે ... ૧૦

હે પાગલ જીવ !  હલેસા તો તારા હાથમાં છે, ચલાવ તારી નૌકા. વારંવાર તીર તરફ જઈને શું શોધી રહ્યો છે ?  તારાથી આગળ ન વધી શકાતું હોય તો ઊંડા પાણીમાં જઈશ નહીં. અળગા પાણીમાં રહી  તારી જાતને બચાવ !  નહીં તો હાથમાં આવેલું આ મનુષ્ય શરીર વ્યર્થ ખોવાઈ જશે ... ૧૧

હે જીવ, તારી અંદર દુઃખોની અકળામણ છે અને ઉપરથી ત્રિવિધ તાપની જ્વાળાથી તું બળી રહ્યો છે !  ક્યાં ય પણ તને છાયા મળતી લાગતી નથી. પરસેવાથી બદ્દબદ્દ થવાથી તને ગભરામણ થતી હોય તો તું કેમ માથે છત્ર બનાવવા પ્રયત્ન કરતો નથી ? ... ૧૨

૧. સમય થાય એટલે યમરાજ તો બોલાવી જ લે છે. નચિકેતાની જેમ કોઈ નિર્દોષ જીવ હોય તો યમરાજ તેની સાથે પ્રેમભર્યો વ્યવહાર કરે !  તેની આગતા સ્વાગતા પણ કરે અને મદદ પણ કરે !  જીવ પહેલેથી જ દોષનો ટોપલો માથા પર લઈને યમરાજ પાસે જતો હોય તો યમરાજ તેની સાથે કેવી વાતો કરશે ?  યમરાજને તો તેના કર્મોની માહિતી હોય જ. શા માટે તે પૂછે ને જાણે ?

૨. કેવટ એટલે ગુરુ.  ગુરુની આજ્ઞા માની નહિ અને મનમાની કરીને જીવન ગુજાર્યું હોય તો ગુરુકૃપા પણ કેવી રીતે પ્રાપ્ત થાય ?  પોતે જ બધું કરી શકે છે બધું કરી શકે છે એવા અભિમાનમાં ગુરુનો પ્રેમ મળે નહિ. ગુરુનો પ્રેમ પામવો હોય તો સર્વ સમર્પણ કરી ગુરુનાં શરણમાં જ રહેવું પડે !

૩. સમર એટલે મેવો અથવા ફળ. અરબી ભાષાનો શબ્દ છે. મેવો હંમેશા કીમતી ગણાય છે. જેની પાસે મેવો હોય તે સુખી ને ધનવાન ગણાય છે. સત્કર્મ રૂપી મેવો જીવે એકત્ર કરવો જોઈતો હતો પણ આખા જીવનમાં સત્કર્મ તો થઈ શક્યું જ નહિ. સત્કર્મના મેવાની પોટલી લઈને આ જગતથી વિદાય લે તો તે ધન બીજા જન્મમાં ઉપયોગી થાય છે. તેવું સત્કર્મનું ધન ન હોય તે નિર્ધન ગણાય.

૪. યોગનો મહિમા કબીર સાહેબ જુદી જુદી રીતે કર્યા જ કરે છે. चितवृति निरोध: योग: અર્થાત્ ચિત્રની વૃતિઓનો નિરોધ કરવો એટલે કે સંયમ કરવો તેને યોગ કહેવામાં આવે છે. યુવાની કાળથી આવો યોગ કર્યો હોય તો મન થોડું પણ કાબૂમાં આવી શકે છે અને થોડા સત્કર્મો કરી શકાય છે.

૫. સોહરિ એટલે સઢનું દોરડું એવો અર્થ કરવામાં આવે છે. અહીં સંસ્કૃત શબ્દ સોહરા પરથી સહરિ શબ્દ પ્રયોજ્યો હોય એમ લાગે છે. સોહરા એટલે શુદ્ધ અથવા સુગમ. સોહરિ એટલે સુગમ - સરળ.

૬. હાથમાં હલેસાને હોળી ન ચાલે તો શું સમજવું ? ક્યાં તો તે ગાંડો હોવો જોઈએ અથવા તો નિર્બળ હોવો જોઈએ.

૭. જો હલેસા હાથમાં લેનાર નિર્બળ હોય તો તેણે ઊંડા પાણીમાં ન જવું જોઈએ. સંસાર સાગરના ઊંડા પાણીમાં જવું એટલે મોહ રાગાદિ વધારવા. જો તેવું તે કરે તો ડૂબી જાય. તેથી કબીર સાહેબ તને માર્ગદર્શન આપતા કહે છે કે જો તારાથી આગળ ન જવાય - સાધના ન કરી શકાય - પ્રગતિ કંઈ જ ન થઈ શકે તો વાંધો નહીં, પણ મોહરાગમાં તું ફસાતો નહીં. સારું કર્મ ન થઈ શકે તો વાંધો નહીં, પણ ખરાબ કાર્ય તો તું કરતો જ નહીં.

૮. છાંહ એટલે છાયા. સંસારમાં શાંતિ મળે તો છાયા મળી કહેવાય.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,065
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 9,936
pdf-2અનંત સૂર | Anant Soor 9,866
pdf-3Amar Varso | અમર વારસો 7,730
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,658