Kabir Pada Sudha

કબીર પદ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

નિહકરમી કી નિંદા કીજૈ, કરમ કરૈ તાહિ ચિત્ત દીજૈ
ઐસી ભક્તિ ભગવંતકી લાવૈ, હિરણાકસકો પંથ ચલાવૈ ... ૭

દેખહુ સુમતિ કેર પરગાસા, ભયે અભિઅંતર કિરતમ દાસા
જાકે પૂજે પાપ ન ઉડૈ, નામ સીમિરની ભવમંહ બૂડૈ ... ૮

પાપ પુન્યકે હાથે પાસા, મારિ જગતકા કીન્હ વિનાશા
બહની કુલ બહનિ કહાવૈ, ઈ ગ્રિહ જારેં ઉગ્રિહ મારેં ... ૯

સમજૂતી

તેઓ નિષ્કામ કર્મ કરનારાની નિંદા કરે છે અને કર્મકાંડ પર જ ધ્યાન આપવાની સલાહ આપે છે. તેઓ એવી ભક્તિનો પ્રચાર કરે છે કે જાને હિરણ્યકશ્યપુનો તેઓ પંથ ચલાવતા હોય ! ... ૭

એ લોકોની સુમતિનો પ્રભાવ તો જુઓ કે કોઈ પણ જાતના વિવેક વિચાર વિના અને શાસ્ત્રોકત વિધિ વિના તેઓ કૃત્રિમ દેવી દેવતાઓના ભક્ત બની જવા પામ્યા છે !  જેને પૂજવાથી પાપનો કદી નાશ થતો નથી બલકે તેનું સ્મરણ કરવાથી ભવસાગરમાં ડૂબી જવાય છે ! ... ૮

તેઓને હાથે આખું જગત પાપને પુણ્યની ફાંસીએ ચઢે છે અને સૌને મારીને તેઓ આખા જગતનો વિનાશ જ કરે છે. તેઓ પોતાની જતને તો કુલતારક કહેવરાવે છે પણ તેઓ ખરેખર આ લોકને પરલોક બંનેનો વિનાશ જ કરે છે. ... ૯

૧. આત્મ કલ્યાણને આગળ વધવા માટે નિષ્કામ કર્મ કરવાનું ઘણું મહત્વ છે. કોઈ પણ જાતની કામના વગર, કોઈપણ જાતના બદલાની ભાવના વિના કાર્ય ત્યારે જ થઈ શકે છે કે જ્યારે ચિત્ત સ્વથના કેન્દ્રમાંથી મુક્ત થયું હોય અહંતા મમતા મોળા પડયા હોઈ ગમા અણગમાઓ ઓગળી ગયા હોય અને ધ્યેમ માટે ફના થઈ જવાની લગન લાગી હોય !  બ્રાહ્મણો તો સ્વાર્થમાં રચ્યા પચ્યા રહેતા હતા એટલે તેઓને નિષ્કામ કર્મની વાત કેવી રીતે પસંદ પડે ?  નિષ્કામ કર્મ સ્વીકારે તો દેવી દેવતાઓની પૂજા બંધ કરી દેવી પડે !

૨. હિરણ્યકશ્યપૂ અસુર હતો. તેને આસુરી ભક્તિ પસંદ હતી. એટલે તેણે પોતાનું વર્ચસ્વ જમાવવા લોકોએ વિષ્ણુની કે બીજાની ભક્તિ ન કરવી એવો કાયદો કર્યો હતો. ભક્તિ કરવી હોય તો હિરણ્યકશ્યપુની જ કરવી. એવા દુરાગ્રહમાંથી જે ભક્તિનો પંથ ચાલ્યો તેણે આજે આપણે વામ માર્ગ તરીકે ઓળખીએ છીએ.

૩. સુમતિ એટલે સારી બુદ્ધિ, પણ અહીં કબીર સાહેબે કટાક્ષ કરવા માટે સુમતિ શબ્દ પ્રયોજ્યો છે. ખરેખર તેમેણે કરવી કુબુદ્ધીની વાત !

૪. સંસાર કામનાઓનો બનેલો છે. કામનાઓ મનમાં રહેલી હોય છે. કામનાઓની પૂર્તિ માટે મન માનવને હસાવે છે, રડાવે છે, દોડાવે છે અને મરાવે પણ છે. તેથી કામનાઓ ઓછી થાય તે પંથે માનવ સુખી થઈ શકે. કામનાઓની વધે તેવા પંથે માનવ દુઃખી જ થાય એવું કબીર સાહેબ જણાવવા માંગે છે. કાલ્પનિક દેવી દેવતાના પંથો એવા જ પ્રકારના છે. કામનાઓનું ભારણ મન પર વધારીને આખરે તેવા પંથો સૌને ડૂબાડે છે.

૫. બ્રાહ્મણોએ ચલાવેલી પાપપુણ્યની વાતો માત્ર કાલ્પનિક હતી. તે કારણે સામાન્ય અભણ લોકોમાં ભય પ્રવર્તતો હતો. આજે પણ ભોળા અજ્ઞાની લોકો પાપપુણ્યની વાતોથી ડરે છે. કબીર સાહેબ એને ફાંસીના રૂપકથી આપણે સમજાવે છે. પાપ લોખંડની ફાંસી હોય તો પુણ્ય સોનાની ફાંસી હોય !  મૃત્યુ બંને પ્રકરની ફાંસીથી થઈ શકે. પુણ્ય કર્મ કરવાથી જન્મ મરણના ફેરામાંથી છૂટકારો તો મળતો જ નથી. ગીતા પણ ચેતવે છે : 

क्षीणे पुण्ये मृत्युलोके विशन्ति |

અર્થાત્ પુણ્ય કર્મનું ફળ પૂર્ણ થતાં વળી પાછું મૃત્યુ લોકમાં જન્મ લેવો પડે છે.

૬. બહની એટલે ભાર વહન કરવાવાળો. ઈ બહની એટલે સંસાર સાગર પાર કરવાની જવાબદારીનું વહન કરના બ્રાહ્મણ. બ્રાહ્મણોની મદદ લીધા વિના સંસાર સાગર તરી શકાય નહીં એવો દાવો કરનારાની અહીં વાત કરી છે.

૭. ભવતારક અને કુલ તારકનો દાવો કરનાર બ્રાહ્મણો પર શ્રદ્ધા રાખીને ચાલનાર સાધક આખરે આ લોક અને પરલોક બંને બગાડી મૂકે છે. દેવ દુર્લભ માનવ જન્મીની સોનેરી તક પણ નકામી જાય છે.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,065
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 9,936
pdf-2અનંત સૂર | Anant Soor 9,866
pdf-3Amar Varso | અમર વારસો 7,730
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,658