Kabir Pada Sudha

કબીર પદ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

સુતદારા મિલિ જૂઠો ખાહીં, હરિ ભગવનકી છૂતિ કરહીં
કરમ અસૈચ ઉચિષ્ટા ખાહીં, મતિ ભરિષ્ટ જમલોક હિ જાહીં ... ૪

નહા ખોરિ ઉત્તિમ હોય આવૈ, બિસ્નુ ભગત દેખે દુઃખ પાવૈ
સ્વારથ લાગિ રહૈ બેકજા, નામ લેત પાવક જિમિડાજા ... ૫

રામ કિસન કી છોડિન્હિ આશા, પઢિ ગુનિ ભયે ક્રીતમકે દાસા
કરમ પઢૈ કરમ હિ કો ધાવૈ, જે પૂછે તેહિ કરમ દિઢાવૈં ... ૬

સમજૂતી

એંઠું ગણાતું ભોજન પણ તેઓ સ્ત્રી પુત્રો સાથે બેસી ખાય છે, નીચ કુળમાં જન્મેલા હરિના ભક્તને તેઓ અછૂત ગણે છે, મરેલાનું શ્રાદ્ધ કરાવીને નિષિદ્ધ ભોજન પણ તેઓ ખાય છે તેથી તેઓની મતિભ્રષ્ટ થઈ જાય છે ને યમલોકને શરણે જાય છે. - ૪

નાહી ધોઈને પવિત્ર થઈને તેઓ પોતાને ઘરે જાય છે ત્યારે જો રસ્તામાં કોઈ વિષ્ણુ ભક્ત મળે તો તેઓને અત્યંત દુઃખ થાય છે. તેઓ પોતાના સ્વાર્થમાં જ રચ્યા પચ્યા રહે છે. તેઓનું કોઈ નામ લે તો તેઓના હૃદયમાં ક્રોધનો અગ્નિ સળગી ઊઠે છે. -  ૫

શ્રી રામ અને શ્રી કૃષ્ણની આશા તેઓ છોડી બેઠા છે. તેઓ ભણી ગણીને કૃત્રિમ દેવોના દાસ થઈ ગયા છે. તેઓ કર્મકાંડ કરે છે અને તેવું કરાવવા પાછળ દોડ્યા કરે છે. જો કોઈ સલાહ પૂછે તો તેને પણ તેઓ કર્મકાંડની  વિધિમાં શ્રદ્ધા વધે એવું કહી સંભળાવે છે. - ૬

૧. “જૂઠો” એટલે એંઠુ. બ્રાહ્મણો વિધિ કરે ત્યારે સ્થપાના કરે અને તે સૌ દેવોને અન્ન, વસ્ત્ર આદિ અર્પણ કરે છે. તે દેવોએ ગ્રહણ કરેલું હોવાથી તે અન્ન જો બ્રાહ્મણો ઘરે જઈને ખાતા હોય તો એંઠુ જ કહેવાય એવી અહીં દલીલ કરવામાં આવી છે.

૨. છુત અછુતની ભાવના આપણે ત્યાં બ્રાહ્મણોને કારણે દૃઢ બની હતી. બાકી શાસ્ત્રકારે તો ઉદારતાથી જણાવ્યું જ છે કે

शूद्रोप शील सम्पन्नो गुणवान् ब्राह्मणो भवेत
ब्राह्मणोडपि क्रियाहिन: शूद्रात्पत्यवरो भवेत

અર્થાત્ શીલવાનને ગુણવાન શૂદ્ર પણ બ્રાહ્મણ જ ગણાય છે અને આચરણ વિનાનો બ્રાહ્મણ શૂદ્રથી પણ નીચ છે. નીચ કુળમાં જન્મેલા ઘણા હરિના ભક્તો થઈ ગયા છે. તેઓ સાચા સંત હતા. તેઓનું જીવન  બ્રાહ્મણને શોભા આપે એવું હતું. પછી ભલેને તે ખાટકીને ઘરે જન્મેલા સદન કસાઈ હોય કે કુંભારને ઘરે જન્મેલ ગોરો કુંભાર હોય !  પરંતુ વચગાળાના કાળે ભારતમાં બ્રાહ્મણોએ તેને અછૂત ગણ્યા છે અને તેઓને સ્પર્શ ન કરી શકાય એવી વિચિત્ર આભડછેડની વાડ પણ રચી હતી તેની ઠેકડી કબીર સાહેબ અહીં ઉઠાવે છે.

૩. શુકન અપશુકનના વહેમો પણ તે સમયે ઉચ્ચ ગણાતા બ્રાહ્મણોના હૃદયમાં ઘર કરી ગયેલા હતા. નદીએથી નાહી ધોઈને સંધ્યા વંદન કરીને ઘરે આવતા બ્રાહ્મણને વિષ્ણુના ભક્તનું દર્શન અપશુકનિયાળ લાગતું કારણ કે તેઓ શિવના ભક્તો ગણાતા.

૪. બેકાજા એટલે નિરર્થક કાર્ય. સ્વાર્થમાં ડૂબેલાં લોકો નિરર્થક કર્મો કરતા રહેતા હોય છે. નિરર્થક કર્મ એટલે કલ્યાણમાં ઉપયોગી નહિ એવું કર્મ. તેવું કર્મ કરવામાં વહેમ અને અંધ શ્રદ્ધા ભાગ ભજવતા હોય છે. દા.ત. ગ્રહણને દિવસે સ્નાનનો મહિમા ગાવામાં આવ્યો છે. તેવું સ્નાન ન કરે તો પાપ લાગે ને કરે તો પુણ્ય લાગે ખરેખર ગ્રહણ સૂર્યને પૃથ્વી સીધી લીટીમાં આવી જાય છે તેથી વચમાં આવી ગયેલો ચંદ્ર બરાબર દેખી શકતો નથી. તેમાં પાપ કે પુણ્યનો સવાલ જ ઊભો થતો નથી. છતાં બ્રાહ્મણોએ સ્નાનનું તૂત ઊભું કર્યું હતું એને પાપ પુણ્યનો ભય બતાવી નિરર્થક કર્મો થયા કરતા હતા.

૫. ડાજા એટલે દઝાયેલા. બ્રાહ્મણોની ટીકા થઈ શકતી નહિ. જો કોઈ કરે તો બ્રાહ્મણો ગુસ્સે થઈ જતા. ક્રોધરૂપી અગ્નિથી તેઓ દઝાયેલા રહેતા !

૬. રામ અને કૃષ્ણ ભારતીય ધર્મના આદર્શ પાત્રો છે. તેઓ સાચા લોકસેવક હતા. તેઓ થકી કર્મ આજે પણ પ્રાણવાન લાગે છે. તેઓની ફરતે રચવામાં આવેલું કાલ્પનિક ધુમ્મસ હટાવી દેવામાં આવે તો આજે પણ તેઓ સમસ્ત જગતને પ્રેરણા આપી શકે એમ છે. પરંતુ તેમણે સ્થાપેલા આદર્શોનું આચરણ ન કરવા માંગતા વર્ગની તેઓ કેવી રીતે પસંદ પડશે ?

૭. બ્રાહ્મણો ભણતા ને બીજાને ભણાવી શકતા. બાકીના વર્ગને ભણવાનું કઠીન લાગતું. બ્રાહ્મણો ભણી ગણીને મન મેળવતા પણ ખરેખર તેઓ કૃત્રિમતાના પૂજારી બાની જતા હતા. કારણ કે પથ્થરની પૂજા કૃત્રિમ જ  ગણાય. પથ્થરની દેવ કૃત્રિમ દેવ જ ગણાય. તેને બલિ ચઢાવવામાં આવતો તેથી તેઓ કૃત્રિમ દેવના ભક્તો ગણાય.

૮. રસ્તામાં બ્રાહ્મણ મળે ને સલાહ પૂછે તો સૌ રોગોની એક દવાની માફક તેઓ પણ એક જ રસ્તો બતાવતા અને તે જુદી જુદી વિધિઓનો. તેની શ્રદ્ધા વિધિમાં દૃઢ બને તેવી તેઓ કથા વાર્તા કહી બતાવતા.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,065
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 9,936
pdf-2અનંત સૂર | Anant Soor 9,866
pdf-3Amar Varso | અમર વારસો 7,730
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,658